ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત મહેસૂલ તલાટી, વર્ગ-3ની પ્રિલિમિનરી પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાને સ્વચ્છ અને પારદર્શક બનાવવા માટે, મંડળે “ગુજરાત જાહેર પરીક્ષા (અન્યાયી રીત અટકાવવા) અધિનિયમ, 2023” (Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023) કાયદાનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.
પેપર લીક કરશો તો જેલ જશો: નવા કાયદાની કડક જોગવાઈઓ
આ નવા કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિ, પરીક્ષાર્થી, કે પરીક્ષા સાથે સંકળાયેલો કોઈ પણ કર્મચારી ગેરરીતિ આચરતો કે ગેરરીતિમાં મદદ કરતો પકડાશે, તો તેની સામે કડક કાર્યવાહી થશે. આ કાયદાની જોગવાઈઓ અનુસાર, પેપર લીક કરવા, ગેરરીતિ માટે મદદ કરવી, કે પ્રશ્નપત્રને અનધિકૃત રીતે હલ કરવાનો પ્રયાસ કરવા જેવા ગુનાઓ માટે 3 થી 10 વર્ષ સુધીની જેલ અને રૂ. 1 લાખથી રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
કેમ લેવાયો આ નિર્ણય? પારદર્શિતા જાળવવાનો લક્ષ્યાંક
પરીક્ષામાં વારંવાર થતી ગેરરીતિઓ અને પેપર લીકના કિસ્સાઓને અટકાવવા માટે આ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે યોગ્ય અને મહેનતું ઉમેદવારોને અન્યાય ન થાય. ગેરરીતિ આચરનારા તત્ત્વોને કાયદાનો ડર બતાવીને પરીક્ષાની પવિત્રતા જાળવી શકાય તે માટે મંડળે આ પગલું ભર્યું છે.
પરીક્ષાર્થીઓ માટે ખાસ સૂચના: ગેરરીતિથી દૂર રહો
મંડળ દ્વારા તમામ ઉમેદવારોને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે તેઓ આ કાયદાની ગંભીરતાને સમજે. કોઈપણ પ્રકારની ગેરરીતિમાં સામેલ ન થવું અને સ્વચ્છ વાતાવરણમાં પરીક્ષા આપવી તે દરેક ઉમેદવારની ફરજ છે. આ નિર્ણયથી પરીક્ષામાં ભાગ લેનારા લાખો ઉમેદવારોને મોટી રાહત મળશે અને ન્યાયી પ્રક્રિયાનું પાલન થશે.
વધુ માહિતી માટે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર ટ્વીટ જુઓ:
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષામાં “Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023” અંગે જાગૃત કરવા બાબત. pic.twitter.com/IItg6dqAJU
— ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (@GsssbOfficial) September 13, 2025
