નાની-નાની જરૂરિયાતો માટે લોન લેવા બેંકોના ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે જો તમને કહેવામાં આવે કે લોન તમારા ફોનમાં જ ઉપલબ્ધ છે અને તમે તમારી મનપસંદ UPI એપમાંથી જ મેળવી શકો છો, તો? જી હા, ભારતમાં ડિજિટલ પેમેન્ટની દિશા બદલી નાખનાર UPI હવે તમને ઘરે બેઠા લોન અપાવવા માટે તૈયાર છે. દેશની અગ્રણી બેંકો ‘UPI ક્રેડિટ લાઇન’ નામની એક નવી સુવિધા શરૂ કરી રહી છે, જે લોન લેવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દેશે. ચાલો જાણીએ કે આ સુવિધા શું છે અને તમે તેનો લાભ કેવી રીતે લઈ શકશો.
કેવી રીતે કામ કરશે આ નવી UPI લોન સુવિધા?
આ સુવિધાને સમજવી ખૂબ જ સરળ છે. તે બિલકુલ એક વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ જેવું છે જે તમારા ફોનમાં રહેશે.
1. બેંક આપશે ક્રેડિટ લિમિટ: સૌ પ્રથમ, તમારી બેંક તમારી યોગ્યતાના આધારે એક નાની લોન લિમિટ (દા.ત. રૂ. 5,000 થી રૂ. 50,000) મંજૂર કરશે. આ એક પ્રી-એપ્રુવ્ડ લોન હશે.
2. UPI એપ સાથે લિંકિંગ: આ મંજૂર થયેલી લોન લિમિટ, જેને ‘ક્રેડિટ લાઇન’ કહેવાય છે, તે તમારા બેંક એકાઉન્ટની જેમ જ તમારી UPI એપ (જેમ કે PhonePe, Paytm, Google Pay) સાથે લિંક થઈ જશે.
3. પેમેન્ટનો વિકલ્પ: હવે, જ્યારે તમે કોઈ દુકાન પર QR કોડ સ્કેન કરીને અથવા ઓનલાઈન પેમેન્ટ કરશો, ત્યારે તમને બે ઓપ્શન મળશે: ‘બેંક એકાઉન્ટ’ અથવા ‘UPI ક્રેડિટ લાઇન’.
4. ક્રેડિટમાંથી પેમેન્ટ: જો તમારા બેંક ખાતામાં પૈસા ન હોય અથવા તમે બેંક ખાતામાંથી પેમેન્ટ કરવા ન માંગતા હો, તો તમે ‘UPI ક્રેડિટ લાઇન’નો ઓપ્શન પસંદ કરી શકો છો. આમ કરવાથી, પૈસા તમારા ખાતામાંથી નહીં, પરંતુ બેંક દ્વારા આપવામાં આવેલી લોનમાંથી ચૂકવાઈ જશે.
આમ, કોઈ પણ વધારાના ડોક્યુમેન્ટ કે બેંકમાં ગયા વગર, તમને જરૂરિયાતના સમયે તરત જ નાની લોન મળી જશે.
તમને અને બેંકોને શું ફાયદો થશે?
આ નવી સુવિધાથી ગ્રાહકો અને બેંકો બંનેને મોટા પાયે ફાયદો થવાની અપેક્ષા છે.
તમને શું ફાયદો થશે?: ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો હવે કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે. ખરીદી કરવા માટે તરત જ નાની રકમની લોન મળી જશે. આ માટે કોઈ ફિઝિકલ ક્રેડિટ કાર્ડ રાખવાની પણ જરૂર નથી.
બેંકોને શું ફાયદો? : બેંકો માટે એવા કરોડો UPI યુઝર્સ સુધી પહોંચવાનો માર્ગ ખુલશે જેમણે હજુ સુધી લોન નથી લીધી. ICICI બેંક અને કર્ણાટક બેંક જેવી બેંકો આ સુવિધા દ્વારા મોટી સંખ્યામાં નવા ગ્રાહકોને જોડી શકે છે.
ક્યારથી અને કઈ એપ્સ પર શરૂ થશે આ સુવિધા?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ગયા વર્ષે જ આ સુવિધાને મંજૂરી આપી દીધી હતી. પરંતુ, નિયમો અંગે સ્પષ્ટતા ન હોવાથી બેંકો તેને શરૂ કરી શકી ન હતી. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી જરૂરી માર્ગદર્શિકા મળ્યા બાદ બેંકોએ તેનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. આગામી સમયમાં ICICI બેંક અને કર્ણાટક બેંક જેવી બેંકો PhonePe, Paytm, BharatPe જેવી લોકપ્રિય UPI એપ્સ પર આ સુવિધા આપવાની શરૂ કરી શકે છે.
આ સુવિધાનો ઉપયોગ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું?
આ સુવિધા જેટલી ફાયદાકારક છે, તેટલી જ સાવચેતી રાખવી પણ જરૂરી છે. બેન્કર્સ ચેતવણી આપે છે કે સરળતાથી લોન મળતી હોવાથી લોકો બિનજરૂરી ખર્ચ કરી શકે છે, જેનાથી ડિફોલ્ટનું જોખમ વધી શકે છે. આ એક પ્રકારની લોન જ છે, જેની ચુકવણી સમયસર કરવી અનિવાર્ય છે, નહીંતર તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી, આ સુવિધાનો ઉપયોગ સમજદારીપૂર્વક અને માત્ર જરૂરિયાતના સમયે જ કરવો હિતાવહ છે.
આ પણ વાંચો : સાવધાન! આગામી 6 દિવસ મેઘરાજા મચાવશે કહેર, હવામાન વિભાગે જાહેર કરી નવી આગાહી

5000